Home » લાહિડી મહાશયે શિષ્યના મૃત મિત્રને જીવતો કર્યો

લાહિડી મહાશયે શિષ્યના મૃત મિત્રને જીવતો કર્યો

સ્વામી શ્રીયુક્તેશ્વર ગિરિ ભારતના પ્રસિદ્ધ યોગી, વૈદિક જ્યોતિષી, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ઉપનિષદોના વિદ્વાન, શિક્ષક, લેખક અને ખગોળશાસ્ત્રી હતા

 

ઓટોબાયોગ્રાફી ઑફ એ યોગીના લેખક પરમહંસ યોગાનંદ સ્વામી સત્યાનંદ ગિરિના ગુરુ હતા. તેમનું જન્મ સમયનું નામ પ્રિયનાથ કરાર હતું. તેમનો જન્મ ૧૦ મે ૧૮૫૫ના રોજ સેરામપુર, બંગાલ પ્રેસીડેંસી, બ્રિટિશ ભારત (વર્તમાનમાં હુગલી જિલ્લો, પશ્ચિમ બંગાળ, ભારતમાં) થયો હતો. તેમને ક્રિયાયોગનું જ્ઞાન આપી સમર્થ યોગી બનાવનાર તેમના ગુરુ હતા – લાહિડી મહાશય. તિબેટના વિશેષજ્ઞા, લેખક ડબ્લૂ વાય ઇવાન્સ-વેન્ટ્ઝે (ઉ. રૂ. Evans – Wentz) પરમહંસ યોગાનંદની ઓટોબાયોગ્રાફી ઑફ એ યોગીશ્રી પ્રસ્તાવનામાં શ્રીયુક્તેશ્વર ગિરિ વિશે લખ્યું છે – ‘શ્રી યુક્તેશ્વર સૌમ્ય વ્યક્તિત્વ અને વાણીના ધણી હતા. એમની ઉપસ્થિતિ આકર્ષક હતી અને તે એ આદરને પાત્ર હતા જે એમના અનુયાયી એમને હંમેશાં તેમને આપતા હતા તેમને જાણનાર દરેક વ્યક્તિ તેમના સમુદાયનો હોય કે ના હોય, તેમને સર્વોચ્ચ સન્માન આપતો હતો.

 

ઈ.સ. ૧૮૮૪માં પ્રિયનાથ (શ્રી યુક્તેશ્વર ગિરી)ની મુલાકાત યોગીરાજ મહાવતાર બાબાના શિષ્ય, મહાન યોગીશ્રી લાહિડી મહાશય સાથે થઈ હતી જેમને તેમણે પોતાના ગુરુ બનાવી દીધા હતા અને તેમની પાસેથી ક્રિયાયોગનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. શ્રી યુક્તેશ્વરે આગળ અનેક વર્ષો સુધી એમના ગુરુના સાન્નિધ્યમાં રહીને યોગનું પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. ૧૮૯૪માં અલ્હાબાદમાં કુંભ મેળામાં ભાગ લીધો ત્યારે તેમનો મેળાપ લાહિડી મહાશયના ગુરુ મહાવતાર બાબા સાથે થયો. તેમણે શ્રી યુક્તેશ્વરને હિંદુ ધર્મગ્રંથો અને ઇસાઈ બાઈબલની તુલના કરતું એક પુસ્તક લખવાનું કહ્યું. મહાવતાર બાબાએ એ બેઠક દરમિયાન જ યુક્તેશ્વરને ‘સ્વામી’ની ઉપાધિ આપી. શ્રી યુક્તેશ્વરે બાબાજી દ્વારા અનુરોધ કરાયેલું પુસ્તક ૧૮૯૪માં પૂરું કર્યું. જેનું નામ તેમણે કેવલ્ય દર્શનમ્ કે પવિત્ર વિજ્ઞાન (The Holy Science) રાખ્યું. તેના પરિચયમાં તેમણે લખ્યું હતું – ‘આ પુસ્તકનો ઉદ્દેશ્ય યથાશક્ય રૂપે એ બતાવવાનો છે કે બધા ધર્મોમાં એક અનિવાર્ય એકતા છે, વિભિન્ન ધર્મો દ્વારા દર્શાવાયેલા સત્યોમાં કોઈ ભેદ નથી. ઓટોબાયોગ્રાફી ઑફ એ યોગી (યોગી કથામૃત / એક યોગીકી આત્મકથા)ના ૩૨માં પ્રકરણમાં પરમહંસ યોગાનંદે પોતાના ગુરૂએ નિહાળેલા યોગશક્તિના એક અકલ્પ્ય ચમત્કારિક પ્રસંગ વિશે નિરૂપણ કર્યું છે. આ પ્રસંગ યોગાનંદના ગુરુ શ્રી યુક્તેશ્વરના ગુરુ શ્રી લાહિડી મહાશય સંબંધિત છે.

પરમહંસ યોગાનંદ આ પ્રકરણમાં લખે છે – એકવાર શ્રી યુક્તેશ્વરજી સવારે એમના સેરમપોર આશ્રમમાં ઈસાઈ શાસ્ત્રોની વ્યાખ્યા કરી રહ્યા હતા. ગુરુજીના અન્ય શિષ્યો ઉપરાંત પોતાના રાંચીના વિદ્યાર્થીઓના નાના સમૂહ સાથે હું પણ ત્યાં હતો. શ્રી યુક્તેશ્વરજી જોન (૧૧-૧૪)માં નિરૂપિત લેજરસના પુનર્જીવનની આશ્ચર્યજનક કથા સમજાવી રહ્યા હતા. એનું વર્ણન કર્યા બાદ અંતમાં બોલી ઉઠયા હતા – ‘મને પણ આવો ચમત્કાર જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. લાહિડી મહાશયે મારા એક મિત્રને એનું મરણ થઈ ગયા પછી પણ જીવતો કર્યો હતો. રામ નામના આ મારા પરમ મિત્ર સાથે હું ગુરુજીને મળવા અડધી રાતે પણ જતો. આ દિવસો દરમિયાન એકવાર મારા મિત્રને એશિયાટિક કોલેરાનો રોગ થઈ ગયો. અમારા ગુરુ શ્રી લાહિડી મહાશયને ગંભીર રોગોમાં ચિકિત્સકની સેવા લેવામાં કોઈ વાંધો નહોતો એટલે બે નિષ્ણાંત ડૉક્ટરોને બોલાવવામાં આવ્યા. તેમણે તેની સારવાર શરૂ કરી દીધી અને જરૂરી તમામ દવાઓ અને ઇન્જેકશનો વગેરે આપવા માંડયા. આ દરમિયાન હું પણ મારા ગુરુ લાહિડી મહાશય પાસે દોડી ગયો હતો અને તેમને રામની બીમારી અને તેની ગંભીર સ્થિતિથી વાકેફ કર્યા હતા, તે વખતે તેમણે કહ્યું હતું – ‘ડૉક્ટરો તેમનું કામ કરી રહ્યા છે તે કરવા દો.’ તેમનું આ વચન સાંભળી હું નિશ્ચંતતાપૂર્વક મિત્રની સારવાર ચાલી રહી હતી ત્યાં પાછો આવ્યો. આવીને જોઉં છું તો તે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. ડૉક્ટરોએ કહ્યું – ‘રામ, એકાદ-બે કલાકથી વધારે જીવતો નહીં રહે.’ આ સાંભળી હું પાછો દોડયો ગુરુ લાહિડી મહાશય પાસે. એમને ડૉક્ટરોએ જે કહ્યું હતું તે જણાવ્યું. શ્યામાચરણ લાહિડીએ કહ્યું – ‘ડૉક્ટરો નિષ્ણાત છે, કર્તવ્ય નિષ્ઠ છે. તું ચિંતા ના કર.’ યુક્તેશ્વરગિરિ પાછા આવ્યા ત્યારે જુએ છે કે ડૉક્ટરો ચાલ્યા ગયા છે. તેમણે રામની દેખભાળ રાખનારને કહેતા ગયા હતા કે હવે રામના જીવવાની કોઈ જ આશા બચી નથી. તેમનાથી થાય તેટલું કર્યું, આનાથી વધારે કંઈ થઈ શકે તેમ નથી. તે વખતે રામના મુખેથી છેલ્લા શબ્દો નીકળ્યા – ‘યુક્તેશ્વર દોડીને ગુરુજી પાસે જાવ અને કહો કે રામ હવે રામ પાસે જઈ રહ્યો છે. તે મારા અંતિમ સંસ્કાર પહેલાં મારા મૃત શરીરને આશીર્વાદ આપે.’ આટલું બોલીને તેના શ્વાસ બંધ થઈ ગયા. તેનાં પ્રાણ શરીરમાંથી નીકળી ગયા. હું ક્યાંય સુધી તેના મરેલા શરીર પાસે બેસીને રડતો રહ્યો. પછી દોડીને તેના મરણના સમાચાર આપવા ગુરુજી પાસે ગયો.

 

ગુરુ શ્રી શ્યામાચરણ લાહિડીજીએ તેમને આવેલા જોઈને પૂછ્યું – ‘કેવું છે તારા મિત્ર રામને ?’ મેં તેમને કહ્યું – તેના જીવનનો ખેલ ખતમ થઈ ગયો. તેનું મરણ થઈ ગયું. ગુરુએ તેમને શાંત અને સ્વસ્થ થવા જણાવ્યું – તે પછી તે બોલ્યા – ડૉક્ટરોથી જેટલું થાય તેટલું થવા દીધું. તું આવ્યો ત્યારે મારી પાસેથી ઔષધિ માંગી હોત તો આપત. કંઈ નહીં. હવે લઈ જા. એક કામ કર. આ દિવામાં જે તેલ પૂરેલું છે તેમાંથી થોડું તેલ એક નાની બોટલમાં લઈ જા. એમાંથી માત્ર ૭ ટીપાં એના મોંમાં મૂકી દેજે. પછી તરત એ બેઠો થઇ જાય એટલે એને લઈને મને મળવા આવજે. હું બોલી ઉઠયો – ગુરુજી, તે મરી ગયો છે. પછી આ શું કામનું ? ગુરુજીએ માત્ર એટલું જ કહ્યું – હું કહું છું ને એટલે કર. મેં દિવાના કોડિયામાં રહેલું અરણ્ડીનું તેલ (દિવેલ) એક નાની શીશીમાં ભરી લીધું અને સીધો રામને ઘેર પહોંચી ગયો. તેના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી. હું સીધો તેની પાસે જઈને બેસી ગયો. મેં મારા હાથમાં રહેલી નાની શીશી ખોલી અને રામના ભીડાઈ ગયેલા મોં માં જેમ તેમ કરીને તે અરંડી (દિવેલ)ના ટીપાં નાંખવામાં માંડયા. લોકોને મારું વર્તન વિચિત્ર અને ગાંડપણભર્યું લાગ્યું. મેં તેના મોંમાં સાતમું ટીપું નાખ્યું તે સાથે તેના શરીરમાં પ્રાણનો પુન:સંચાર થયો. તેનું શરીર હાલવા લાગ્યું અને તે બેઠો થઈ ગયો. યુક્તેશ્વરે તેને ગુરુ પાસે જવાનું કહ્યું તો તે તેમની સાથે ચાલીને ગુરુ પાસે ગયો અને તેમના ચરણોમાં પડી નમસ્કાર કરવા લાગ્યો. આ રીતે શ્રી યુક્તેશ્વર ગિરિએ તેમના ગુરુ શ્રી શ્યામાચરણ લાહિડીજીએ યોગબળથી કેવી રીતે તેમના મૃત મિત્રને ફરીથી સજીવન કર્યો હતો તે ચમત્કારનું વર્ણન કર્યું હતું.

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *