
શતદલ પૂર્તિ: ગુજરાત સમાચાર
તારીખ: ૧૬-૦૯-૨૦૨૬
– “Your body is your subconscious mind : તમારું શરીર એ તમારું અર્ધજાગ્રત મન છે.’
– “Every Change in the mental- emotional state results in an appropriate change in the bodily stage : માનસિક કે ભાવનાત્મક સ્થિતિમાં થતો દરેક ફેરફાર, શારીરિક સ્થિતિમાં પણ અનુરૂપ ફેરફાર લાવે છે.’
– “Cells are listening to your thoughts : કોષો તમારા વિચારો સાંભળી રહ્યા છે.’
- Dr. Candace pert
(ડૉ. કેન્ડસ પર્ટ)– “Your nervous system and the immune system are in constant, bidirectional communication : ચેતાતંત્ર અને રોગ પ્રતિકારક શક્તિ સતત એકબીજા સાથે બંને તરફથી સંવાદ કરે છે.’
- Dr. Roberts Ader
(ડૉ. રોબર્ટ એડેર)– “Your brain and immune system are connected by hardwiring. what you think can affect how you heal : મગજ અને રોગપ્રતિકારક તંત્ર સીધા વાયરો (ચેતાઓ) દ્વારા જોડાયેલા છે. તમે જે વિચારો છો તે તમારી સાજા થવાની ક્ષમતાને અસર કરે છે.
-Dr. David Felten
(ડૉ. ડેવિડ ફેલ્ટન)– “Psychological stress doesn’t just feel bad, it suppresses the immune response and slows the body’s ability to repair itself : માનસિક તણાવ માત્ર ખરાબ અનુભવ કરાવતો નથી, તે રોગપ્રતિકારક શક્તિને દબાવી દે છે અને શરીરની પોતાને સાજા કરવાની ક્ષમતાને ધીમી પાડે છે.
–Dr. Janice Kiecolt- Glaser (ડૉ. જાનિસ- કીકોલ્ટ- ગ્લેસર)
સાઇકોન્યૂરોબાયોલોજીને મનો-ચેતા- રોગ પ્રતિકારક વિજ્ઞાન કહેવાય છે. આ વિજ્ઞાનની એવી શાખા છે જે દર્શાવે છે કે આપણું મન, આપણું ચેતાતંત્ર (Nervous System) અને આપણી રોગપ્રતિરકારક શક્તિ (Immune System) એકબીજા સાથે ઉંડાણપૂર્વક જોડાયેલા છે તે જણાવે છે કે જ્યારે આપણે ચિંતા કે તણાવમાં હોઈએ છીએ ત્યારે મગજ કોર્ટિસોલ જેવા કેમિકલ્સ મુક્ત કરે છે જે આપણા શરીરના રક્ષક કોષોને નબળા પાડે છે. આનાથી શરીરની સાજા થવાની ક્ષમતા ધીમી પડી જાય છે પરંતુ જો આપણે ખુશ અને તણાવમુકત રહીએ તો આપણી રોગપ્રતિકારક શક્તિ આપોઆપ મજબૂત બને છે. અમેરિકાના વૉશિંગ્ટન ડી.સી.માં આવેલ જ્યોર્જ ટાઉન યુનિવર્સિટી ઓફ મેડિસીનના ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝીયોલોજી એન્ડ બાયોફિઝિક્સના રિસર્ચ ન્યૂરોસાયન્ટિસ્ટ ડૉ. કેન્ડસ પર્ટ (Candace Pert) ને સાઇકોન્યૂરોઇમ્યુનોલોજીના જનની (મધર) કહેવામાં આવે છે. ડૉ. પર્ટની રિસર્ચ અનુસાર આપણું શરીર એક સેલુલર રેડિયો સ્ટેશન જેવું છે. આપણું મગજ કેમિકલ (ન્યૂરોપેપ્ટાઇઝડ) મોકલે છે. અને કોશિકાઓ પર લાગેલા રિસેપ્ટર્સ (Receptors) એન્ટેનાની જેમ એમને ઝીલી લે છે. જ્યારે આપણે સતત તણાવ (Chronic Stress) માં રહીએ છીએ ત્યારે આખી વ્યવસ્થા ખોરવાઈ જાય છે. તણાવની સ્થિતિમાં મસ્તિષ્ક સતત કોર્ટિસોલ અને ઓડ્રિનાલિન જેવા સ્ટ્રેસ પેપ્ટાઇડસ છોડતું રહે છે. આ તણાવના અણુ કોશિકાઓના રિસેપ્ટર્સ(તાળા) પર જઈને ચોંટી જાય છે. રિસેપ્ટર્સની સંખ્યા મર્યાદિત હોય છે એટલે તણાવના અણુ બધા તાળાને ઘેરી લે છે. એને લીધે શરીરમાં બનનારા સારા અને સ્વસ્થ કરનારા રસાયણ (જેમ કે એન્ડોર્ફિન, સેરોટોનિન, ઓક્સિટોસિન) માટે કોઈ જગ્યા રહેતી નથી એટલે તે કોશિકાઓની અંદર પ્રવેશ કરી શકતા નથી.
જ્યારે કોશિકાઓને લાંબા સમય સુધી તણાવના સિગ્નલ મળે છે ત્યારે તે પોતાની સુરક્ષા માટે રિસેપ્ટર્સની સંખ્યા ઓછી કરી દે છે. (Down Regulation) એના કારણે કોશિકાઓ સંવેદનહીન થવા લાગે છે. આ રિસેપ્ટર્સે આપણી ઇમ્યુન સેલ્સ (ટી સેલ્સ અને બી- સેલ્સ) પર પણ હોય છે. એટલા માટે તણાવના અણુ તેમને બ્લોક કરી દે છે, તેથી ઇમ્યૂન કોષોને સમજણ નથી પડતી કે વાયરસ કે બેક્ટેરિયા સામે કેવી રીતે લડવાનું છે. એના પરિણામે આપણે બીમાર પડીએ છીએ અને ઘા રૂઝવામાં બહુ વાર લાગે છે. ડૉ. કેન્ડસ પર્ટ કહે છે કે લાગણી અને ઇમ્યૂન સિસ્ટમ બે અલગ વસ્તુઓ નથી. આપણી લાગણીના વાહકો જ આપણી ઇમ્યૂન સિસ્ટમ બને છે. શરીરના કોઈપણ ભાગ ઉપર ઘા પડે તો ત્યાં નવા કોષ આવી જાય છે અને રૂઝ આવી જાય છે. આ પ્રક્રિયામાં પેપ્ટાઇઝસ એમને સંયોજિત કરે છે. જેનાથી રૂઝ આવે છે. આમ, રોગોમાં થતુ હીલિંગ આપણા લાગણીતંત્રથી નિયંત્રિત છે. બધા રોગના જંતુઓ (વાઇરસ) એ રિસેપ્ટર કોષની સપાટી પરથી એમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે. સ્વાભાવિક રીતે જ એ કોષ કે વાઇરસને અંદર પ્રવેશવા દેતા નથી. એટલે તે યુક્તિ કરીને અંદર દાખલ થવાનો પ્રયત્ન કરે છે. ચોર, લૂંટારા કે આતંકવાદી હુમલાખોર જેમ પોલીસ કે સૈનિકનો પહેરવેશ પહેરી લોકોને છેતરીને કોઈ સ્થળે પ્રવેશી જાય એમ વાઇરસ પોતાની ઉપર પ્રોટીનનો પહેરવેશ (આવરણ) / મ્હોરુ (Camouflage) ધારણ કરી લે છે. આ છળ- આવરણવાળા સ્પાઇક (Spike) પ્રોટીનવાળા વાઇરસ ધરાવતા રિસેપ્ટર પેલા અસલ ACE2 જેવા જ દેખાતા હોય છે, પણ તે લાગણીના તંત્રથી જોડાયેલા હોય છે. લાગણીથી ઉદ્ભવેલું કુદરતી કેમિકલ વ્યક્તિમાં કેટલું છે તે પ્રમાણે એને કોષમાં દાખલ થવાનું કે ન થવાનું નિર્મિત થાય છે. નકારાત્મક લાગણીવાળા, લાગણીથી વિચલિત ખાલી રિસેપ્ટરમાં પેલા પ્રોટીનનું મ્હોરું પહેરેલા વાઇરસ પ્રવેશી જાય છે અને છૂપા દુશ્મન બની અંદરથી રોગપ્રતિકારક શક્તિ ઘટાડી રોગ ઉત્પન્ન કરી એને વધારે છે. પ્રેમ, પ્રસન્નતા, પરિતોષ, પરોપકાર સર્વ સ્વીકૃતિ ભાવ, ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા, વિશ્વાસ વગેરે હકારાત્મક સદ્ભાવો એ એક પ્રકારનું ‘બાયોલોજિકલ મિકેનિઝમ’ છે જે આપણી ઇમ્યૂનિટીને વધારી આપણને સ્વસ્થ રાખે છે.
મનોવિજ્ઞાની રોબર્ટ એડેર (Robert Ader) અને ઇમ્યૂનોલોજિસ્ટ નિકોલસ કોહેને ૧૯૭૫માં યુનિવર્સિટી ઓફ રોચેસ્ટરમાં એક એવો પ્રયોગ કર્યો જેણે મેડિકલ જગતને હલાવી દીધું. તેમણે સાબિત કર્યું કે ઇમ્યૂન સિસ્ટમને પણ કંડીશન (ટ્રેન) કરી શકાય છે. તેમણે ઉંદરોને પીવા માટે સેકરિનવાળું ગળ્યું પાણી પીવડાવી સાથે એક દવા (Cytoxan) નું ઇંજ્કેશન આપ્યું જે ઇમ્યૂનિટીને ઓછી કરે છે. થોડા દિવસો બાદ ઉંદરોના મગજે ગળ્યુ પાણી પીવાની અને ઇમ્યૂનિટી નબળી પડવાની વચ્ચે એક સંબંધ બનાવી દીધો. એનું પરિણામ અત્યંત ચોંકાવનારું હતું. જ્યારે એડેરે ઇમ્યૂનિટી નબળી પાડવાના ઇંજેક્શન આપવાનું બંધ કરી દીધું અને માત્ર સેકરિન (Caccharin) વાળું પાણી જ આપ્યું તો પણ ઉંદરોની ઇમ્યૂનિટી આપમેળે જ ઓછી થઈ ગઈ અને ઘણા ઉંદરોનું તો મરણ પણ થઈ ગયું. એનો નિષ્કર્ષ એ નીકળ્યો કે મગજે માત્ર ગળ્યો સ્વાદ ચાખીને ઇમ્યૂન સીસ્ટમને બંધ કરવાનો આદેશ આપી દીધો હતો. આ રિસર્ચ પછી ડૉ. એડેરે ‘સાઇકોન્યૂરોઇમ્યૂનિટી’ (Psychoneuroimmunity) શબ્દની રચના કરી.
ડૉ. કેન્ડસ પર્ટે જ્યાં ન્યૂરોપેપ્ટાઇડ્ઝની શોધ કરી હતી ત્યાં ડૉ. ડેવિડ ફેલ્ટને (David Felton)૧૯૮૧માં તે ભૌતિક જોડાણ શોધ્યું જેના થકી મગજ અને ઇમ્યૂનિટી એકબીજા સાથે વાત કરે છે. તેમણે માઇક્રોસ્કોપ થકી શોધ્યું કે આપણા શરીરની નસો (નર્વસ સિસ્ટમ) લીધે આપણી ઇમ્યૂન સિસ્ટમના અંગો જેમ કે થાઇમસ, બરોળ અને લિમ્ફ નોડ્સ સાથે શારીરિક રીતે જોડાયેલી છે. તેમણે દર્શાવ્યું કે, તાંત્રિકા તંતુ (નર્વ ફાઇબર્સ) સીધા ટી. સેલ્સ અને મેક્રોફેઝ (ઇમ્યૂન કોશિકાઓ)ની પાસે જઈને પૂરી થાય છે. અર્થાત્ મગજ સીધું નસો થકી વિદ્યુત સિગ્નલોથી પણ ઇમ્યૂનિટીને કન્ટ્રોલ કરી શકે છે.
ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીની ડૉ. જાનિસ કીકોલ્ટ ગ્લેસરે (Janice Kiecolt- Glaser) માનવો પર વાસ્તવિક જીવનના તણાવની ઇમ્યૂન સીસ્ટમ પર અસર જોવા માટે ઐતિહાસિક ક્લિનિકલ રિસર્ચ કરી. તેમણે મેડિકલના એ વિદ્યાર્થીઓ પર રિસર્ચ કરી જે પરીક્ષાના અત્યાધિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે જોયું કે પરીક્ષાના દિવસો દરમિયાન વિદ્યાર્થીઓના શરીરમાં રોગો સામે લડનારી કોશિકાઓ (T- Cells) બહુ જ ઓછી સક્રિય હતી. તેમણે ડિમેન્શિયા (ભૂલી જવાની બીમારી)ના દર્દીઓની દેખભાળ કરનારા અત્યધિક તનાવગ્રસ્ત સંભાળ લેનારા (કેર ટેકર)ના હાથમાં એક નાનો છેદ પાડયો. તેમણે જોયું કે શાંત જીવન જીવનારા લોકોની સરખામણીમાં તણાવગ્રસ્ત લોકોના ઘા રૂઝવામાં ૯ દિવસ વધારે લાગ્યા. ડૉ. જાનિસની રિસર્ચે સાબિત કર્યું કે જૂનો માનસિક તણાવ (ક્રોનિક સ્ટ્રેસ) રસી (વેક્સિન)ની અસરને ધીમી કરી દે છે અને શરીરની હીલિંગ ક્ષમતાને સીધેસીધી રોકી દે છે.
આર્જેન્ટિનાના મહાન ફિઝિયોલોજિસ્ટ ડૉ. હ્યુગો બેસેડોવ્સ્કી (Hugo Besedovsky)એ ૧૯૭૦થી ૧૯૮૦ના દશકમાં સાઇકોન્યૂરોઇમ્યુનોલોજી (PNI) નો એક મહત્ત્વપૂર્ણ નિયમ સાબિત કર્યો કે આ સંચાર માત્ર મગજથી ઇમ્યૂનિટી સુધી નહીં, પણ ઇમ્યૂનિટીથી મગજ સુધી પણ હોય છે. તેમણે દર્શાવ્યું કે જ્યારે શરીરમાં કોઈ વાઇરસ આવે છે અને ઇમ્યૂન કોશિકાઓ સક્રિય થાય છે. તો તે સાઇટોકાઇન્સ (Cytokines)નામના પ્રોટીન છોડે છે. આ સાઇટોકાઇન્સ લોહીના માધ્યમથી મસ્તિષ્કમાં જાય છે અને મસ્તિષ્કના હાઇપોથેલમસને એક્ટિવ કરી દે છે. એનો નિષ્કર્ષ એ નીકળે છે કે જયારે તમે બીમાર થાવ છો. ત્યારે ઇમ્યૂન સીસ્ટમ મગજને સિગ્નલ મોકલે છે જેનાથી તમને થાક લાગવો, ઊંઘ આવવી, ભૂખ ન લાગવી અને ડિપ્રેશન જેવા અનુભવ થાય છે કે જેને સિકનેસ બિહેવિયર (Sickness Behaviour) કહેવાય છે. એનો અર્થ એ થાય કે તમારી ઇમ્યૂનિટી તમારા મૂડને બદલી શકે છે.

