The ‘me’, the ‘I’ is put together by thought, Which is memoy. So the self is a bundle of memory, experiences and knowledge, Which is essentially the past.’
‘હું’ કે ‘મારું હોવું’ વિચારો દ્વારા નિર્મિત છે જે સ્મૃતિ (યાદ) છે. એટલા માટે આ સ્વ( Self)યાદો, અનુભવો અને જ્ઞાનનો સંગ્રહ માત્ર છે, જે મૂળ રૂપે અતીત (ભૂતકાળ) છે.
-Jiddu Krishnamurti
(જિદ્દૂ કૃષ્ણમૂર્તિ),The Ending of Time.
‘The Self is an illution created by the mind, Which tries to protect itself from its own insecurity.’
સ્વ(Self) (અહંકાર) મન દ્વારા રચવામાં આવેલી એક કલ્પના કે ભ્રમ છે જે પોતાને પોતાની જ અસુરક્ષાથી બચાવવાનો પ્રયત્ન
કરે છે’.
-David Bohm(ડેવિડ બોહમ),
The Ending of time.
‘When the past does not project itself into the future, there is the ending of time
જ્યારે ભૂતકાળ (વીતી ગયેલી કાલ) પોતાને ભવિષ્ય (આવતી કાલ) માં પ્રક્ષિપ્ત (પ્રોજેક્ટ) કરવાનું બંધ કરી દે છે ત્યારે સમયનો અંત આવી જાય છે.’
–Jiddu Krishnamurti, The Endling of time.
‘Time is a process of becoming’. If there is no becoming, there is no Psychological time.
સમય કંઈક ‘બનવાની’ એક પ્રક્રિયા છે. જો કંઈ બનવાની ઈચ્છા જ ના હોય તો કોઈ મનોવૈજ્ઞાનિક સમય નથી રહેતો.’
-David Bohm, The Ending of time
ડેવિડ બોહમ વીસમી સદીના સૌથી મહાન સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાનીઓમાંના એક હતા. તેમણે ક્વોન્ટમ મિકેનિકસ અને ચેતના વચ્ચેના સંબંધો અંગે નોંધપાત્ર, યુગવર્તી સંશોધન કર્યું. તેમનો જન્મ ૨૦ ડિસેમ્બર ૧૯૧૭ના રોજ અમેરિકાના પેન્સિવેનિયામાં થયો હતો. તેમણે કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલેથી જુલિયિસ રોબર્ટ ઓપનહાઈમરના માર્ગદર્શન હેઠળ તેમની પીએચડી પૂરી કરી હતી. ડેવિડ બોહમે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડોક્ટરેટ મેળવ્યા બાદ ઓપનહાઇમર સાથે જ પ્રિન્સેટન યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાની તરીકે કારકિર્દીનો આરંભ કર્યો હતો. ત્યાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનને મળવાનું થયું હતું. છ મહિના સુધી બોહમે આઈન્સ્ટાઈન સાથે લાંબા ગાળાની બેઠક ક્વોન્ટમ મિકેનિક્સની કેટલીક વણઊકલી સમસ્યાઓ પર ખૂબ ચર્ચા – વિચારણા કરી હતી. જેમ જેમ વધુને વધુ જાણકારી મેળવવા માંડી તેમ તેમ તેની કેટલીક મર્યાદાઓ દેખાવા લાગી. ડેવિડ બોહમે ૧૯૫૧માં એમનું પ્રથમ પુસ્તક ‘ક્વોન્ટમ થિયરી’ પ્રકાશિત કર્યું એ વાંચીને આઈન્સ્ટાઈન પણ અત્યંત પ્રભાવિત થઈ ગયા હતા અને જાહેરમાં કહ્યું હતું કે ક્વોન્ટમ થિયરીમાં સૂક્ષ્મતા અને વિશદતાનો પૂરપૂરો ખ્યાલ તેમને ડેવિડ બોહમનું આ પુસ્તક વાંચ્યા પછી જ આવી શક્યો છે. આ પુસ્તક વાંચ્યું ન હતું ત્યાં સુધી ક્વોન્ટમ મિકેનિક્સ વિશે તે બરાબર સમજ્યા ન હતા, ડેવિડ બોહમે ક્વોન્ટમ થિયરી,સાયન્સ,ઓર્ડર એન્ડ ક્રિયેટિવિટી, થોટ એઝ અ સીસ્ટમ, ઓન ડાયલોગ, ધ એન્ડિંગ ઓફ ધ ટાઈમ, ધ લિમિટ્સ ઓફ થોટ ડિસ્કસન્સ વગેરે અનેક પ્રસિદ્ધ પુસ્તકો લખેલા છે.
ડેવિડ બોહમે આપેલ મુખ્ય સિદ્ધાંત ઈમ્પ્લિકેટ ઓર્ડર એન્ડ હોલોમુવમેન્ટ (Implicate order and Holomovement)ને લગતો છે. તેમણે દર્શાવ્યું કે બ્રહ્માંડ ટુકડાઓમાં વિભાજિત નથી, પણ એક અખંડ સમગ્રતા (Unbroken Wholeness) છે. બોહમે હોલનેસ એન્ડ ધ ઈમ્પ્લિકેટ ઓર્ડર’માં જગત વિશે અનોખો દ્રષ્ટિકાણ રજૂ કર્યો છે, તે જગતને તેના છૂટાછવાયા ઘટકોમાં વિભાજિત કરીને મૂલવતા નથી. તેના જુદા જુદા ભાગો એકઠા થઈને સમગ્રનું બંધારણ કેવી રીતે કરે છે તે જોવાને બદલે સમગ્રથી શરૂ કરીને જુદા જુદા ભાગો કેવી રીતે કામ કરે છે તે સમજવાનો પ્રયત્ન કરે છે. તે કહે છે કે વિશાળ સ્તર પર વિચારવામાં આવે તો વૈશ્વિક આકાશ-સમય, પદાર્થ-ઊર્જા, બધું જ વૈશ્વિક ઐકયથી જોડાયેલું છે. આપણે માત્ર ઈન્દ્રિયજન્ય આભાસને કારણે આકાશ-સમય-પદાર્થને ભિન્ન પ્રકારે જોઈએ છીએ. પ્રકૃતિની આ મૂળ સ્થિતિ, સર્વૈક્યને તે અવ્યક્ત કે તિરોહિત જગત (enfolded or implicate universe) કહે છે જ્યારે વસ્તુઓ વ્યક્ત, પ્રકટ કે આવિર્ભૂત થાય ત્યારે તે જગતને તે આવિર્ભૂત જગત (Unfolded or explicate Universe) તરીકે ઓળખે છે. ઈલેક્ટ્રોનની પ્રત્યક્ષ કે પરોક્ષ થવાની વૈશ્વિક નૃત્યની મૂળભૂત આધાર સમી અવ્યક્ત કે તિરોભાવ પામેલી વ્યવસ્થામાંથી ઈલેક્ટ્રોનના સમુદાય સતત આવિર્ભાવ પામ્યા કરે છે. બોહમ દર્શાવે છે કે ભૌતિક દુનિયા જે આપણને સ્પષ્ટ રૂપે દ્રશ્યમાન થાય છે તે એક્સપ્લિકેટ ઓર્ડર છે અને વસ્તુઓને પરસ્પર જોડે છે તે ઈમ્પ્લિકેટ ઓર્ડર છે. બોહમ કહે છે આખું બ્રહ્માંડ એક નિરંતર ચાલતી ગતિશીલ પ્રક્રિયા છે. જેને તે હોલોમુવમેન્ટ (Holomovement) કહે છે.
ડેવિડ બોહમને વિજ્ઞાનની સાથે રહસ્યવાદ (Occult) અને તત્વદર્શન (Philosophy) માં પણ ગાઢ રૂચિ હતી. તેમણે ભારતના પ્રસિદ્ધ તત્વચિંતક જિદ્દૂ કૃષ્ણમૂર્તિ સાથે ઘણા સંવાદો કર્યા હતા. તેમની અને જે. કૃષ્ણમૂર્તિ વચ્ચે ચેતના, વિચારની સીમા, અને ધ્યાન પર થયેલા સંવાદ અત્યંત પ્રસિધ્ધ છે, ધ એન્ડિંગ ઓફ ટાઈમ (The Ending Of Time) એ બન્ને વચ્ચે ૧૯૮૦ થી ૧૯૮૪ સુધી થયેલા ૧૩ સંવાદો અને ચર્ચાઓનું જ પુસ્તક છે.

આ બન્ને મહાન વિચારકો દર્શાવે છે કે માનવ જાતિના દુ:ખ અને સંઘર્ષનું મૂળ મનોવૈજ્ઞાાનિક સમય (Psychological Time) છે.
ઘડિયાળનો સમય જેમ કે દિવસ, રાત, કામનો સમય જરૂરી છે. પણ જ્યારે આપણે એમ વિચારીએ છીએ કે ‘કાલે હુ વધારે સારો બનીશ’ કે ભૂતકાળની યાદો (દુ:ખ-દર્દ) ને ભવિષ્ય સુધી લઈ જઈ રહ્યો છું’ તો આ વિચારો દ્વારા બનાવાયેલો સમય હોય છે.
જે. કૃષ્ણમૂર્તિ અને ડેવિડ બોહમ એ નિષ્કર્ષ પર પહોંચે છે કે બધો સંઘર્ષ અને અલગતા અહંકાર (Ego)થી ઉત્પન્ન થાય છે. માનવી હંમેશા કંઈ બનવાનો કે કઈ મેળવવાનો પ્રયત્ન કરે છે. આ બનવાની કે મેળવવાની દોડમાં અથડામણ અને દુ:ખ પેદા થાય છે. અને તે વિષચક્ર ક્યારેય અટકતું નથી. દૈનિક જીવન અને વ્યવસ્થા માટે જ્ઞાન જરૂરી છે, પણ જ્યારે ‘વિચાર’ આપણા આંતરિક મન પર સવાર થઈ જાય છે ત્યારે તે સત્ય, વાસ્તવિકતાને જોવાથી રોકે છે. વિચાર હંમેશાં જુની યાદો અને અનુભવોથી આવે છે એટલે તે ક્યારેય નવા નથી હોઈ શકતા. જ્યારે કોઈ વ્યક્તિ મનોવૈજ્ઞાનિક સમય અને ‘હું’ની ભાવનાને પૂરેપૂરી સમજી લે છે, જ્યારે ભવિષ્યની દોડ અટકી જાય છે ત્યારે વિચારોનું ચક્ર શાંત થઈ જાય છે.

સમયના અંત (Ending of Time) ની સાથે જ વાસ્તવિક સ્વતંત્રતા, શાંતિ અને એક એવી અંતર્દ્રષ્ટિ (Insight) ઉત્પન્ન થાય છે જે વિચારોથી પર હોય છે. કૃષ્ણમૂર્તિ કહે છે કે જ્યારે મન પૂર્ણપણે વર્તમાનમાં હોય છે અને ભૂતકાળની સ્મૃતિઓ તથા ભવિષ્યકાળની કલ્પનાઓથી મુક્ત થઈ જાય છે ત્યારે મનોવૈજ્ઞાનિક સમય સમાપ્ત થઈ જાય છે. વિચાર સ્મૃતિથી ઉદ્ભવે છે સ્મૃતિ હંમેશાં સીમિત હોય છે એટલે વિચાર પણ સીમિત હોય છે. સીમિત વિચાર ક્યારેય પૂર્ણ સત્યને જાણી શકતા નથી. ભયનો જન્મ ભવિષ્યની કલ્પના અને ભૂતકાળની સ્મૃતિથી થાય છે. જો મન વર્તમાનને દ્રષ્ટિમાં રાખે તો ભય સમાપ્ત થઈ જાય છે. આપણી ચેતના વ્યક્તિગત નથી પણ આખી માનવ જાતિ સાથે સંકળાયેલી ચેતના છે. ‘હું’ વિચારો, સ્મૃતિઓ અને અનુભવોનો સંગ્રહ છે. જો વિચાર શાંત થઈ જાય તો પૃથક ‘હું’નો અનુભવ પણ સમાપ્ત થઈ શકે છે. માનવીમાં વાસ્તવિક પરિવર્તન કોઈ અભ્યાસ, પ્રવિધિ કે સમયથી નહીં, પણ પ્રત્યક્ષ પૂર્ણ જાગરુકતા (Total Awareness) થી આવે છે. આ જાગરુકતા મનોવૈજ્ઞાનિક સમયને સમાપ્ત કરી ઉચ્ચતર ચેતનાની સત્યાનુભૂતિ કરાવે છે.

