Home » શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના સેવકોનો ભગવત્સ્વરૂપની સેવાનો અનન્ય પ્રેમ

શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના સેવકોનો ભગવત્સ્વરૂપની સેવાનો અનન્ય પ્રેમ

નત્વા હરિં પ્રવક્ષ્યામિ
સ્વસિદ્ધાન્ત વિનિશ્ચયમ્।
કૃષ્ણસેવા સદા કાર્યા
માનસી સા પરા મતા ॥

શ્રી હરિને નમસ્કાર કરીને ભક્તિમાર્ગના આપણા સિદ્ધાંતના વિશેષ નિશ્ચયને હું વર્ણવું છું. ભગવાન શ્રીકૃષ્ણની સેવા નિરંતર કરવી જોઈએ. સેવા પ્રકારમાં માનસી સેવાને શ્રેષ્ઠ ફળ રૂપ માની છે.’

ચેતસ્તત્ પ્રવણં સેવા
તત્ સિદ્ધયૈ તનુ વિત્તજા।
તત: સંસાર દુ:ખસ્ય
નિવૃત્તિઃ બ્રહ્મ બોધનમ્ ॥

‘ચિતને તે ભગવાન શ્રીકૃષ્ણમાં પરોવી રાખવું તેનું નામ સેવા કહેવાય. તે માનસી સેવાની સિદ્ધિ માટે તનુજા અને વિત્તજા સેવા કરવી. તેનાથી સાંસારિક દુ:ખોનું નિવારણ થાય છે અને બ્રહ્મનું જ્ઞાન થાય છે.’

(સિદ્ધાંત મુકતાવલી, શ્લોક-૧,૨)

શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૮૪ વૈષ્ણવોમાં એક પદ્મનાભદાસ નામના અનન્ય સેવક હતા. જન્મે કર્મે બ્રાહ્મણ અને કથાવાર્તા કરી પોતાનો નિર્વાહ કરતા. આચાર્ય શ્રી મહાપ્રભુજી કનોજ આવ્યા ત્યારે તેમના મુખેથી શ્રીમદ્ ભાગવતના વચનામૃત સાંભળી એમના શરણે જઈ નામ-નિવેદન પામ્યા. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ તેમને શ્રીકૃષ્ણની સેવાનો મહિમા જણાવ્યો અને નિત્ય સેવા કરવા અનુરોધ કર્યો. તેમણે ભગવત્સ્વરૂપનું માહાત્મ્ય જાણવાની ભાવના કરી એટલે આચાર્ય શ્રી એમને વ્રજમાં સાથે લઈ ગયા. મહાવન પાસે રમણસ્થળ આવેલું છે ત્યાં યમુનાજીના કિનારે સામેની બાજુએ કર્ણાવેલમાં જ્યાં શ્રી મહાપ્રભુજી બિરાજમાન હતા ત્યાં યમુનાજીનો કરાડો તૂટતાં મોટું તાડ જેટલું ભગવત્સ્વરૂપ પ્રગટ થયું. વલ્લભાચાર્યજીએ તેમને સેવા કરી શકાય તેવું નાનું સ્વરૂપ ધારણ કરવા વિનંતી કરી. ભગવાને તેમની વિનંતી સ્વીકારી લીધી અને નાનું સ્વરૂપ બનાવી દીધું. આચાર્યજીએ એમનું શ્રીમથુરાનાથજી એવું નામ પાડયું. પછી તે સ્વરૂપ પદ્મનાભદાસને સેવા કરવા પધરાવી આપ્યું. તે અત્યંત પ્રસન્નતાથી તેની સેવા કરતા.

એક વખતે મોટા રામદાસજી એ જે ભગવત્સ્વરૂપની સેવા કરતા હતા એ ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ થોડા સમય માટે પદ્મનાભદાસને સેવા કરવા આપીને શ્રીનાથજીના દર્શન કરવા ગયા. ત્યાં તેમને થોડા વધારે સમય માટે રોકાવાનું થયું. આ તરફ એમનાં ભગવત્સ્વરૂપ (ઠાકોરજીના સ્વરૂપ)ની સેવા પદ્મનાભદાસ અત્યંત નિષ્ઠા અને પ્રેમથી કરતા હતા. કેટલાક દિવસો બાદ એમના ગામમાં મોગલોની ફોજ આવી અને કેટલાક ઘરોમાં લૂંટફાટ ચલાવી. એક મોગલે મોટા રામદાસજીએ સેવા માટે પધરાવી આપ્યું હતું તે સ્વરૂપ લૂંટ ચલાવતી વખતે લઈ લીધું. પદ્મનાભદાસે તે સ્વરૂપ પાછું આપી દેવા બહુ વિનંતી કરી પણ તેમણે તે ના આપ્યું. એટલે પદ્મનાભદાસ તેની પાછળ પાછળ સાત દિવસ અન્ન-જળનો ત્યાગ કરીને ગયા. તે કહેતા- ‘મારા સેવ્ય પ્રભુ સેવા વિના, અન્ન-જળ વિના રહે તો હું કેવી રીતે અન્ન-જળ આરોગું ? આઠમા દિવસે પેલા મોગલની પત્નીએ તેને કહ્યું- ‘આ બ્રાહ્મણ સાત દિવસથી અન્ન-જળ વગર તમારી પાછળ ફરે છે. તે જો મરી જશે તો તને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. એ ક્યાં બીજું કશું પાછું માંગે છે ? એને એના દેવ પાછા આપી દે.’ પત્નીના કહેવાથી તે મોગલે પદ્મનાભદાસજીના ઘરમાંથી લૂંટ ચલાવી ત્યારે જોડે લઈ લીધેલા ઠાકોરજીનું સ્વરૂપ પાછું આપી દીધું. તે લઈને પદ્મનાભદાસ પાછા આવ્યા. પછી ભગવાનને ભોગ ધરાવ્યા બાદ પોતે અન્ન-જળ આરોગ્યા.

જે દિવસે મોગલ એ ભગવત્સ્વરૂપ લૂંટીને લઈ ગયો તે દિવસે મોટા રામદાસજીએ પણ આ વાત જાણી. તેથી તે દિવસથી મોટા રામદાસજીએ પણ ઠાકોરજી પાછા ના આવ્યા ત્યાં સુધી, સાત દિવસ પર્યંત અન્ન-જળ ના લીધા. આ વાત પદ્મનાભદાસજીએ જાણી કે એમના ભગવત્સ્વરૂપને પડેલા કષ્ટથી રામદાસજી પણ એમના જેટલા જ દુ:ખી થયા છે. પછી તે શ્રીનાથજીના દર્શને તથા મોટા રામદાસજીને મળવા શ્રીનાથદ્વાર ગયા. ત્યાં તેમને મળ્યા ત્યારે તેમણે મોટા રામદાસજીને પૂછયું- ‘તમારું ભગવત્સ્વરૂપ મોગલ લઈ ગયો એનાથી હું તો દુ:ખી થયો અને અન્ન-જળ છોડી દીધા. એ બરાબર છે કેમ કે તમે મારા માથે સેવા પધરાવીને અહીં આવ્યા હતા. તેની સાર-સંભાળ મારી ફરજ હતી પણ તમે આ જાણ્યું ત્યારથી સાત દિવસ ભોજન આરોગ્યું નહીં, જળ પણ પીધું નહીં તેનું કારણ શું ? તમે તો એ મને સોંપીને ગયા હતા !


ત્યારે રામદાસજીએ કહ્યું- ‘તમે કહો છો એ વાત સાચી, પરંતુ પૂર્વે હું એ સ્વરૂપની સેવા કરતો હતો. તેના થકી મને જે સાનુભાવ થયો છે તે કઈ રીતે ભૂલાય ? એ સ્વરૂપ સાથે જે વર્ષોનો સંબંધ રહ્યો છે તે કઈ રીતે વિસરાય? એ સ્વરૂપ સાક્ષાત્ પ્રભુ જ છે એમ માનીને મેં પ્રેમપૂર્વક સેવા કરી છે. એની સેવા થકી મને જે સુખ અને ધન્યતા પ્રાપ્ત થઈ છે એ કેવી રીતે ભૂલી જવાય ? મોટા રામદાસજીનો પણ પદ્મનાભદાસજી જેવો પ્રેમ પરિપૂર્ણ ભાવાત્મક સંબંધ ભગવત્સવરૂપ સાથે હતો. ભગવત્સ્વરૂપ કોઈ નિર્જીવ મૂર્તિ નથી, પણ ભગવાન જ છે એવી ભાવના રાખી એમની સેવા કરવી. એમના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થવાની સ્થિતિ બન્નેની પ્રભુ ભક્તિમાં જોવા મળે છે.

More Reading

Post navigation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *