‘Comprehensive life style changes may slow, stop and in some patients even reverse the progression of coronary heart diseases:
જીવનશૈલીમાં વ્યાપક અને સકારાત્મક ફેરફારો કોરોનરી હૃદયરોગની પ્રગતિને ધીમી કરી શકે છે, તેને અટકાવવામાં મદદરૂપ થઇ શકે છે અને કેટલાક દર્દીઓમાં તે સુધારો પણ લાવી શકે છે.’
-Larry Scherwitz (લેરી શેરવિટ્ઝ)‘‘Long term health depends not only on medical treatment but also on daily lifestyle choices:
લાંબાગાળાનું આરોગ્ય માત્ર સારવાર પર નહીં, પરંતુ રોજિંદા જીવનમાં લેવાતા નિર્ણયો અને જીવનશૈલી પર પણ આધાર રાખે છે.
-Larry Scherwitz (લેરી શેરવિટ્ઝ)‘‘Love and intimacy are the root of what makes us sick and what makes us well:
પ્રેમ અને આત્મીયતા એ આપણા બીમાર થવા અને સ્વસ્થ થવાનાં મૂળમાં રહેલા મહત્વપૂર્ણ પરિબળો છે.’
-Dean Ornish (ડીન ઓર્નિશ)‘‘Eat well, move more, stress less and love more:
સારું ખાઓ, વધુ સક્રિય રહો, તણાવ ઓછો લો અને વધુ પ્રેમ કરો.
-Dean Ornish“Health is not only about adding years to our life, but also adding life to years:
આરોગ્યનો અર્થ માત્ર જીવનના વર્ષો વધારવા એવો નથી, પરંતુ દરેક વર્ષમાં જીવનની ગુણવત્તા અને આનંદ વધારવાનો છે.
-Dean Ornish
લેરી ડબ્લ્યુ શેરવિટ્ઝ ( Larry W. Scherwitz ) અમેરિકાના હેલ્થ સાઇકોલોજિસ્ટ અને બિહેવિયરલ મેડિસિન ક્ષેત્રના સંશોધક હતા. તેમણે લાઇફ સ્ટાઇલ મેડિસિન ક્ષેત્રે પણ ઊંડુ સંશોધન ક્યું. તેઓ ખાસ કરીને એ બાબતના અભ્યાસ માટે વિખ્યાત છે કે માનસિક, સામાજિક અને વર્તણૂંક સંબંધી (Behavioural) પરિબળો લાંબા ગાળાના રોગો ( Chronic Disease ) પર કેવી અસર કરે છે. તેમણે હૃદય અને રક્તવાહિનીઓના આરોગ્ય ( Cardiovascular Health) માટે જીવનશૈલીમાં કરવામાં આવતા ફેરફારો અંગે મહત્ત્વપૂર્ણ સંશોધન કર્યું. લેરી શેરવિટ્ઝે ૧૫ વર્ષથી વધુ સમય સુધી ડૉ. ડીન ઓર્નિશના સંશોધન કાર્યક્રમમાં રિસર્ચ ડિરેકટર તરીકે સેવાઓ આપી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ શોધવાનો હતો કે શું જીવન શૈલીમાં વ્યાપક ફેરફારો કરીને કોરોનરી હાર્ટ ડિસીઝને આગળ વધતા અટકાવી શકાય અથવા તેમાં સુધારો લાવી શકાય ? પહેલાં એવું માનવામાં આવતું હતું કે એક વખત હૃદય રોગ થઇ જાય પછી તે પાછો સુધરી શક્તો નથી. દવાઓ, સ્ટેન્ટ અથવા બાયપાસ સર્જરી જ મુખ્ય ઉપચાર છે. ડૉ. ઓર્નિશ અને શેરવિટ્ઝે આ માન્યતાની વૈજ્ઞાાનિક તપાસ કરવાનો નિર્ણય કર્યો. તેમના સંશોધનથી એવું સાબિત થયું કે આરોગ્ય માત્ર દવાઓથી નક્કી થતું નથી. વિચારવાની રીત, ભાવનાત્મક સ્થિતિ, તણાવ, આરામ, આહાર, ઊંઘ, વ્યાયામ, પરિવારનો સહકાર, મિત્રતા અને જીવનમાં હેતુની ભાવના આ બધા પરિબળો એકત્રિત થઇને લાંબા ગાળાના આરોગ્યને પ્રભાવિત કરે છે.
આધુનિક ચિકિત્સામાં બિહેવિયરલ મેડિસિને એક નવી જ દિશા ખોલી. ડીન ઓર્નિશ અને લેરી શેરવિટ્ઝ જેવા શરીર વિજ્ઞાાનીઓએ જણાવ્યું – ‘દરેક રોગનું કારણ માત્ર શરીરમાં જ નથી હોતું, વ્યક્તિ કેવી રીતે જીવે છે, વિચારે છે અને વર્તે છે તે પણ આરોગ્યને પ્રભાવિત કરે છે.’ વીસમી સદીના મધ્ય ભાગ સુધી ક્ષય, કોલેરા જેવા ચેપજન્ય રોગો ભારે પડકારરૂપ હતા પણ પછી હૃદયરોગ, ટાઈપ-૨ ડાયાબિટીસ, સ્થૂળતા (Obesity), હાઈબ્લડ પ્રેશર જેવા જીવનશૈલી સંબંધિત રોગો વધી ગયા. સંશોધકોએ નોંધ્યું કે આ રોગોમાં આહાર, કસરત, ઊંઘ, ધૂમ્રપાન, તણાવ અને સામાજિક પરિસ્થતિ જેવા પરિબળો મહત્વપૂર્ણ છે તેથી બિહેવિયરલ મેડિસિનનું ક્ષેત્ર વિકસ્યું. આ વૈજ્ઞાાનિક અભિગમ મન, વર્તન અને શરીરના સંબંધને ધ્યાનમાં રાખીને આરોગ્યની સંભાળ રાખે છે. આ અભિગમનો હેતુ પ્રમાણભૂત તબીબી સારવારનું સ્થાન લેવાનો નથી, પણ તેને વધુ અસરકારક રીતે પૂરક બનાવવાનો છે.
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના લેરી શેરવિટ્ઝે એમના એક અદ્ભુત પ્રયોગાત્મક સંશોધનમાં જોયું કે જે લોકો અત્યધિક આત્મકેન્દ્રી (Self- centred) હોય છે અને તેમની વાતચીતમાં વધારે પડતા પ્રમાણમાં હું, મારું અને મને ( I, my and me) જેવા શબ્દોનો વધારે પડતો ઉપયોગ કરે છે તેમને કોરોનરી હાર્ટ ડિસિઝ, કોલેસ્ટ્રોલ અને હાર્ટ એટેકનો ભય સામાન્યથી ઘણો વધારે રહે છે. ડૉ. શેર વિટ્ઝે મલ્ટિપલ રિસ્ક ફેકટર ઇન્ટરવેન્શન ટ્રાયલ (Multiple Risk Factor Intervention Trial/ MRFIT) થકી ૩૧૧૦ વધુ લોકો પર ઊંડાણથી અધ્યયન કર્યું. તેમણે બધા પ્રયોગમાં ભાગ લેનારાઓનો સંરચિત ઇન્ટરવ્યૂ (Structured Interview) લીધો અને રેકોર્ડ કર્યો. કોમ્પ્યુટર અને ઓડિટર્સની મદદથી એ ગણવામાં આવ્યું કે ઇન્ટરવ્યૂ વખતે કઇ વ્યક્તિએ કેટલીવાર પ્રથમ પુરુષ સર્વનામ ‘હું, મારું, મને’નો ઉપયોગ કર્યો. ઇન્ટરવ્યૂ પછી ૭ વર્ષ સુધી તે બધાના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી. એના પરિણામ રૂપે જોવામાં આવ્યું કે જે લોકોએ ‘હું, મારું, મનેનો વધારે ઉપયોગ કર્યો હતો એમનામાં હૃદયરોગ થવાની, હાર્ટ એટેક આવવાની સંભાવના બહુ જ વધારે જોવા મળી. ત્યાં સુધી કે પારંપરિક ખતરા ધૂમ્રપાન હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કર્યા પછી આ બાબત (સ્વકેન્દ્રપણું) એક મોટું સ્વતંત્ર કારણ સાબિત થયું.
ડૉ. લેરી શેરવિટ્ઝે આવો જ એક બીજો પ્રયોગ પણ કર્યો હતો. તેમણે ૬૦૦ વ્યક્તિઓના એક સમુદાય પર આ પ્રયોગ કર્યો હતો. આમાંથી ત્રીજા ભાગના લોકોને હૃદયરોગની બીમારી હતી અને બાકીના બીજા હૃદયરોગની બીમારી વગરના લોકો હતા. આ બધા લોકોના અવાજને રેકોર્ડ કરી કોમ્પ્યૂટરની વોઇસ રેકગ્નિશન ડિવાઇઝ સાથે જોડવામાં આવ્યાં હતાં, જેથી તે કઇ વ્યક્તિનો અવાજ છે તે જાણી શકાય. તેમને થોડા સમય માટે એકબીજા સાથે વાતચીત કરવાનું કહેવાયું હતું. તેમની વાતચીત રેકોર્ડ કરી લેવામાં આવી હતી. પછી એ જોવામાં આવ્યું હતું કે કઇ વ્યક્તિઓએ ‘હું, મારું અને મને’નો અત્યંત વધારે પ્રમાણમાં ઉપયોગ કર્યો હતો. કોમ્પ્યૂટર સંચાલિત ડિવાઇઝે એવા લોકોને ઓળખીને જુદા પાડયા હતા. આશ્ચર્યજનક રીતે તે ૨૦૦ લોકો એ જ હતા જે હૃદયરોગના દર્દી હતા !
આવું થવાનું કારણ શું ? ડૉ. શેરવિટ્ઝ અને એમના સહાયક શરીર – મનોવિજ્ઞાાનીઓ જણાવે છે કે વ્યક્તિનું અત્યધિક આત્મકેન્દ્રીપણું, અહંકાર, સ્વાર્થવૃત્તિ આત્મમોહ ( Narcissism) એના હૃદયને અસર કરે છે. એવા સતત માત્ર પોતાના વિશે, પોતાની સમસ્યાઓ કે ઉપલબ્ધિઓ વિશે વિચારતા લોકોનું મસ્તિષ્ક હંમેશાં એક ‘રક્ષાત્મક ( Defensive ) મોડ’ માં રહે છે. ‘હું – હું’ કરનારા લોકો અજાણતાં બીજા લોકોથી અલગ થઇ જાય છે. સામાજિક અલગાવ અને એકલતાને કારણે શરીરમાં તણાવ ઉત્પન્ન કરનાર હોર્મોન કોર્ટિસોલ અને એડ્રિનાલિનનું સ્તર વધી જાય છે. આ તણાવ હોર્મોન હૃદયના ધબકારા વધારી દે છે અને રક્તવાહિની ( Arteries ) ને સાંકડી કરી દે છે જેનાથી હાર્ટ એટેકનો ભય વધી જાય છે. આમ, ક્રોનિક સ્ટ્રેસ સોશિયલ આઈસોલેશન અને રક્તવાહિનીઓ પર અસર પડવાથી હાર્ટ એટેક/ કાર્ડિયાક એરેસ્ટ થાય છે.
ડૉ. લેરી શેરવિટ્ઝ હૃદયરોગ વિશેષજ્ઞ ડૉ. ડીન ઓર્નિશ સાથે જોડાયા અને તેમણે લાઇફસ્ટાઇલ હાર્ટ ટ્રાયલ પર કામ કર્યું તે સંશોધનમાં સાબિત થયું કે જીવનશૈલીમાં થોડા બદલાવોથી હૃદયની બીમારી કેવળ અટકે છે એટલું જ નહીં પણ તેને ઉલ્ટી (િીપીજિી) પણ કરી શકાય છે. આમાં તેમણે પહેલો બદલાવ એ સૂચવ્યો કે પોતાની વાતચીતમાં બીજાને સામેલ કરવા. ‘મારું કામ’, ‘મારી સમસ્યા’ ને બદલે અમારું કામ, અમારી સમસ્યા જેવી ભાષાનો પ્રયોગ કરવો. બીજાની વાત ધ્યાનથી સાંભળવી. પરોપકાર અને સેવાભાવ (Alruism) ધારણ કરવો. પોતાના વિચારનું ક્ષેત્ર પોતના પરથી હટાવીને સમાજ અને બીજાને મદદ કરવા લગાવવું. એનાથી આત્મકેન્દ્રી તણાવ ઘટે છે. દરરોજ યોગ, ધ્યાન ( Meditation ) અને ઊંડા શ્વાસ લેવાનો વ્યાયામ ફરજિયાત કરવો જે હૃદયની ધમનીઓના તણાવને શાંત કરે છે. પૂર્ણ શાકહારી ભોજન લેવું.

